સંગ્રહ

ગઝલ


શુભરાત્રી…🙏🏻🌷

જે મળી છે જિંદગી, કાફી નથી.
કૈક ઈચ્છાઓ હજી જાગી નથી.

તું હસે છે કેમ કે, ચાખી નથી.
તારા ભાગે વેદના આવી નથી.

આજ પણ ચ્હેરો મને એ યાદ છે,
કેટલા અરસાથી મેં ભાળી નથી.

‘હર યુગે આવીશ’ તેં એવું કહ્યું,
કેમ તારી મોરલી વાગી નથી?

શું સમજવું, પ્રેમ કે ખેંચાણ છે?
એમણે પણ હા કે ના પાડી નથી.

આ હૃદય સમશાન થાતાં વાર શું?
લાશ સપનાંની હજી દાટી નથી.

કપા
૨૬૦૭૨૦૨૨

ગઝલ


શુભરાત્રી… 🌹🌷

ગઝલ :

ઉત્તર મળી જશે તમે પ્રશ્નો પૂછી જુઓ.
એના હૃદય સુધી જવા રસ્તો પૂછી જુઓ.

પાછળ બધા મળી ઘણા જલસા કરીશું પણ,
પ્હેલાં તો ધામધૂમનો ખર્ચો પૂછી જુઓ.

મંજૂર મનસૂબા કરે ઈશ્વર બધા પછી,
માણી જવા શું શું છે વિકલ્પો પૂછી જુઓ!

વર્ષો વરસથી ઝંખના પાળીને બેઠો છું,
આવો આ ઝંખનાને જ વર્ષો પૂછી જુઓ.

રડવાનું તો ‘કમલ’ હવે કારણ કશું નથી,
આંખોને શાનો છે હજી ઝઘડો પૂછી જુઓ.

કપા
૨૪૧૨૨૦૨૧

ગઝલ


ગઝલ :

ગામડાંનાં ગામડાં ખાઈ ગયું છે.
વિસ્તરેલું શ્હેર ઝડપાઈ ગયું છે.

ખર્ચ રાખે છે બહાનાં પણ હજારો,
જે કમાયો એ ય ખર્ચાઈ ગયું છે.

કારણો આપી મને લાલચ ન આપો,
સત્ય શું છે આજ સમજાઈ ગયું છે.

કેટલા વરસોથી એના શ્હેરમાં છું,
આજ મળશે! મન તો હરખાઈ ગયું છે.

સાકી, મયખાનું, મદિરા, જામ છે નૈ,
કોણ આવીને મને પાઈ ગયું છે?

હાથમાંથી માનો પાલવ શું છૂટ્યો ને,
બાળ તો બિચારું ગભરાઈ ગયું છે.

જેમાં છે ઉલ્લેખ એના નામ સાથે,
એજ પ્રકરણ આખું ચર્ચાઈ ગયું છે.

ભાર તારો જિંદગી વેઠી રહ્યો છું,
એટલે અસ્તિત્વ તરડાઈ ગયું છે.

એમ નાહક હું વગોવાઈ ગયો છું,
જેમ નાહક રણ વગોવાઈ ગયું છે.

પાંપણોની પાળ તોડી પીડા આવી,
આંખે સરવર આજ છલકાઈ ગયું છે.

મોંઘવારી ડાકણી ખાઈબદેલી,
રાંકનું લોહી વલોવાઈ ગયું છે.

ભલભલાને બાટલીમાં એ ઉતારે,
મોહ પાછળ વિશ્વ ભરમાઈ ગયું છે!

એમ કંઇ અમથી નથી મજબૂત છાતી,
દર્દ એમાં ખૂબ ધરબાઈ ગયું છે.

શ્વાસ લેવામાં મને તકલીફ લાગે,
ડૂંસકું ડૂમામાં અટવાઈ ગયું છે.

તું ‘કમલ’ સમજી શકે છે ભર બજારે,
કેમ વર્તન એનું બદલાઈ ગયું છે?

કપા
૦૨૦૧૨૦૨૨

ગઝલ


ગઝલ…

હોય છે કાઠું યુદ્ધ લડવાનું.
રોજ ઈચ્છા વિરુદ્ધ લડવાનું.

એ કરૂણાની મૂર્તિ છે નખશીખ,
ક્યાં કદી કહે છે બુદ્ધ લડવાનું.

ક્યાંક અન્યાય સામે જંગે ચડ,
હો ભલે ને તું વૃદ્ધ, લડવાનું.

સ્વાર્થ સંબંધને હણી લેશે,
રાખી દાનતને શુદ્ધ લડવાનું.

જે બદીઓ છે ત્યાગ તું પ્હેલા,
જાતથી થઈ સમૃદ્ધ લડવાનું.

  • કમલ પાલનપુરી

ગઝલ


છે ડૂમો, ડૂસકું થઈ જાય તો બસ.
જખમને થીગડું થઈ જાય તો બસ.

હું મારી શોધમાં ભીતર ગયો છું,
સફળ કૈ શોધવું થઈ જાય તો બસ.

સમય મથતો રહ્યો છે ઘાવ ભરવા,
દરદ સઘળું નવું થઈ જાય તો બસ.

મને કેવી કબર મળશે મરણ બાદ ?
સરળ ત્યાં ઊંઘવું થઈ જાય તો બસ.

વળે કળ બાદમાં થોડી ‘કમલ’ને,
ખતમ આ ઝૂરવું થઈ જાય તો બસ.

કમલ પાલનપુરી