ગઝલ


ગઝલ

તું પહેલાં મોરના ટહુકાને છાતીમાં જડાવે છે,
પછી કાળી તરસનાં છૂંદણાં ત્યાં કોતરાવે છે ?

નિયમ કુદરતના પાળે છે અમારા શ્વાસની સગડી,
હ્રદયમાં આગ લાગે તો નયન વરસાદ લાવે છે !

અસલમાં રંગ સાચો એ, કે જેમાં રંગ એકેય નહીં,
હકીકતમાં તો રંગો ભેદના વાડા બનાવે છે.

વ્યથા વળગી પડી છે એવી તંતોતંત ચરણોમાં,
વ્યથા ખુદ જિંદગીને ચાલવા રસ્તા બતાવે છે.

તને છે ક્યાં ખબર ? શું ચીજ છે આ શાયરી લખવી,
ગુલાબી દર્દ આપી રક્તની ધારે રડાવે છે.

પરબતકુમાર નાયી દર્દ

ગીત


ગીત / તમે તમારું જાણો

તમે તમારું જાણો,
અમે જગતની વાતો ઉપર મુકી દીધો છે પાણો!
તમે તમારું જાણો.

ભલે આંગણે વ્હેતી ગંગા નથી આચમન કરવું.
ઈચ્છા-હોડી કાંઠે મુકી નથી સાગરે તરવું.
સુખની તમને હોય ખેવના મજાની ચાદર તાણો!
તમે તમારું જાણો.

આ ‘ઘર’ભટક્યા ઓ ઘર’ ભટક્યા તોય તરસનાં ગાડાં,
જે સપનાને બાળી નાખ્યાં એ આવે છે આડાં.
મન-મરકટને પડતું મૂકી ભીતર રસને માણો.
તમે તમારું જાણો!

પરબતકુમાર નાયી દર્દ

અછાંદસ


કરુણાંતિકા

તમારું નખ્ખોદ જજો.
તમને કીડા પડે.
અમારું તો બધું લૂંટાઈ ગયું.
હવે વધ્યું છે ફક્ત તમારાજોગું.
આવો બધાં જુગભૂખ્યાં.
આજે તો કોઈ ગીધડાં બાકી ના રહે- એમ સૌ સંપીને આવો.
આવો અને નિરાંતે ખાઓ આ અમારા માંસના લોચા.
અમારાં હાડકાં ચૂસો.
કંઈપણ બાકી ના રાખતાં.
તરસ્યાં હો તો ખાબોચિયામાંથી ખોબેખોબે લોહી પીવો.
ઘણાં ભૂખ્યાં હો તો એ પાટાની ફાટમાં ફસાયેલાં ભડથાંને આંગળીથી ખરતોળીને ખાઓ પણ આજ તો ભૂખ્યાં ના જતાં.
હજી ધરાયાં ના હો તો ઘૂંટણિયે થઈને શેકાઈને ચોટી ગયેલા એ માંસને ચાટો.
તમને સતધર્મથી કહીએ છીએ કે આજ તો કોઈ પણ ગીધડાં ભૂખ્યાં ના જતાં.

દેહ વગરના અમારામાં હવે નામ માત્રની પણ કોઈ ભ્રાંત કે ખાંત રહી નથી; અમારું બધું પરમ શાંત છે.
આ કવિતા નથી અમારું કલ્પાંત છે.

  • ઈશ્વરભાઈ ચૌહાણ

ગઝલ


એક સાવ તાજી લખાયેલ રચના…..

આંખમાંથી તેજ ઝળહળ નીકળે,
સૂર્યની આડેથી વાદળ નીકળે.

એમ મારાથી હું આગળ નીકળ્યો,
દ્રષ્ટિથી મન જેમ આગળ નીકળે.

એમ મારી એષણા ફૂટ્યાં કરે,
જેમ પથ્થર ચીરી કૂંપળ નીકળે.

દર્દનો છે ખૂબ પાછળ આવરો,
આંસુઓ આંખેથી ખળખળ નીકળે.

લાગણી વિનાના દિલમાં શું ઊગે?
રણ પ્રદેશોમાં તો બાવળ નીકળે.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

અછાંદસ


અલી એ સાંભળે છે !
આજે ફેસબુક, વૉટસપ પર
બધાએ મમ્મીઓના ફોટા મૂક્યા છે,
નક્કી આજે
‘ મધર ડે’ લાગે !
જો જે
ક્યાંય બા નો ફોટો પડ્યો હશે ,
લાવજે એક ક્લિક કરીને.
માળિયામાંથી એને પરપડો
ઉડાડીને
એક
ક્લિક કરી
પણ
ફોટો ક્લિન ન આવ્યો !

  • Ansh Khimatvi

ગઝલ


ગઝલ

મનોહર વેશભૂષા છે, ઘણી રંગીન દુનિયા છે,
ઘડીની જિંદગી અંદર ઘણા ઝાઝા તમાશા છે !

સબળ ચરણો હતાં ત્યારે મળ્યા આસાન પથ અમને,
હવે થાકેલ પગ સામે જુઓ મુશ્કેલ રસ્તા છે.

થશે ઉદ્ધાર કો શાપિત તણો એવા ભરોસા પર,
ચરણરજ રામની લઇને અમારા શબ્દ ઊભા છે !

ભલે કાંઠા ઉપર છે તું છતાં સાવધ થજે નાવિક,
ગળે છે નાવને કાંઠે અહીં એવાય દરિયા છે !

મળ્યા આ હાથમાં લીટા, નથી એ ભાગ્યની રેખા,
અમે સાંધી શક્યા નહીં કોઈ ‘દી આ એના છેડા છે !

કરીને આંખ આડા કાન બેઠા છે બધા અહીંયા,
નગર છે ઘાસનું ને પાસે તણખા જેવી અફવા છે !

હ્રદયની એક મૂરતનાં નજરમાં રૂપ છે લાખો,
વિસામણ એ જ છે કે કોણ સાચું કોણ ભ્રમણા છે.

પરબતકુમાર નાયી દર્દ

ગીત/ વિયોગી ગીત


વિયોગી ગીત:

આંસુઓના પાંપણે તોરણ બંધાણા,
હદયના દરિયામાં ઘાવ ઉભરાણા ….

સપનાઓની ગળીએ ગોતું છું તને,
આંસુઓની નાવમાં ડૂબવું છે જોને
ક્યાં રિસાઈને સંતાયા ફલાણા ?
આંસુઓના પાંપણે તોરણ બંધાણા !

ઉજ્જડ થઈ ગયો છે ખીલતો બાગ ,
પ્રેમના પાણી સીંચો આવી આજ
આવો ઉંબરે તો કરું હું મનામણા
આંસુઓના પાંપણે તોરણ બંધાણા

આંસુઓના પાંપણે તોરણ બંધાણા,
હદયના દરિયામાં ઘાવ ઉભરાણા ….

  • ansh khimatvi