સંગ્રહ

ગઝલ


ગઝલ// વગાડો કરતાલ સાધુજી

લાગી લગન વગાડો કરતાલ સાધુજી,
ગાવું ભજન વગાડો કરતાલ સાધુજી.

ઠારી ઠરે નહીં એ ડૂબ્યાં વગર હવે,
હૈયે અગન! વગાડો કરતાલ સાધુજી.

કંઈ કેટલાય દરિયા ખેડી લીધા છતાં,
કોરાં નયન! વગાડો કરતાલ સાધુજી.

મીરાં કહો કે નરસિંહ, એ માર્ગ ચાલવું,
છોડ્યાં ભવન, વગાડો કરતાલ સાધુજી.

આજે નહીં તો કાલે, વિશ્વાસ પર જીવું,
થાશે મિલન વગાડો કરતાલ સાધુજી

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

ગઝલ


સાદર એક ગઝલ…

ખાલી નથી કંઈ એમ કૂંડાળાં કર્યા,
ઘસી ઘસીને જાત, અજવાળાં કર્યા.

પૂછો એ પંખીઓને કેટલાં ફાળાં કર્યા?
તરણાંઓ જોડી કેમના માળાં કર્યા?

કોઈએ સંબંધોને કાંટાળાં કર્યા,
કોઈએ સંબંધોને સુંવાળાં કર્યા.

પણ, હોય ક્યાંથી લાજ એવા નામને,
નિત વાંદરાની જેમ બસ ચાળા કર્યા.

ઈજ્જત મળે ક્યાથી હિસાબી રેસમાં
ડગલે ને પગલે તેણે ગોટાળાં કર્યા.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

ગઝલ


જિંદગીમાં કોઈથી તકરાર જેવું કંઈ નથી,
આપણી વચ્ચે હવે ચકચાર જેવું કંઈ નથી.

ઓટલો ને રોટલો માટે તું રઝળાવે પ્રભુ,
તારે ભામાશા સમી કોઠાર જેવું કંઈ નથી?

બ્રહ્મને તું શોધવા ક્યાં-ક્યાં નથી ફર્યો જીવણ?
એ તો નિરાકાર છે, આકાર જેવું કંઈ નથી.

લાગણી સમજી શક્યો ના કોઈની ક્યારેય પણ,
એમનામાં સાર કે સંસ્કાર જેવું કંઈ નથી.

મનમાં સળગી આગ પાણીથીયે બૂઝાઈ નહીં,
છે ગજબની દાહ પણ અંગાર જેવું કંઈ નથી.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

ગઝલ


હતી જે ચાહના એ ચાહના નથી રહી હવે,
હતી જે યાતના એ યાતના નથી રહી હવે.

ખુશીની ચાહમાં થયો ના તૃપ્ત જીવ નૂગરો,
હતી જે કામના એ કામના નથી રહી હવે.

દુ:ખી તને હું જોઈને થતો ઘણો દુ:ખી દુ:ખી,
હતી જે ભાવના એ ભાવના નથી રહી હવે.

થતો ગયો જવાન જીવ એમ એષણા વધી,
હતી જે યાચના એ યાચના નથી રહી હવે.

ઘણાખરા કવિ મહાન એમ કંઈ નથી થયા,
હતી જે સાધના એ સાધના નથી રહી હવે.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

ગઝલ


હવે માત્ર એકજ દવાની જરૂર છે,
સમય સાથ સાવધ થવાની જરૂર છે.

પછી જોતજોતામાં પ્રસરી જશે એ,
બુઝી આગને બસ હવાની જરૂર છે.

ભયાનક વિકટ કાળ ભરખે અકાળે,
એ પહેલા જ જાગી જવાની જરૂર છે.

છે નક્કી જ કે આ વખત પણ જવાનો,
જરાકજ સબર રાખવાની જરૂર છે.

પ્રભુ પાસ છે માગવાનું શું બાકી?
હવે બસ દુવા માગવાની જરૂર છે.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’