ગઝલ


સમજી શકાય એવું અમારું લખાણ છે,
સાદી સરળ છે ભાષા, ને સાદું લખાણ છે.

કઈ રીતથી લખાય ગઝલ, એ ખબર નથી,
હોઠે ન આવી વાત એ છાનું લખાણ છે.

વાંચીને રાજી થાઉં છું સાથે દુખી યે છું,
‘મા’ની ટપાલ છે અને ‘મા’નું લખાણ છે.

ઝાકળના ડાઘ જોઈને મનમાં થયાં કરે,
કે ઈશ્વરે લખેલું આ તાજું લખાણ છે.

ધારે તો ચાર ચાંદ લગાવી દે એમ છે,
પણ પ્રેમપત્રમાં તો બીજાનું લખાણ છે.

પરબીડિયામાં હું તને વરસાદ મોકલું,
સમજે તો સમજે, કેમકે ત્રાંસુ લખાણ છે.

અક્ષરને ઘૂંટી ઘૂંટી તેં ભેગા કરી દીધા,
તારો ને મારો સ્પર્શ થયાનું લખાણ છે.

  • પ્રકાશ સોજીત્રા ‘શબ્દ’

Leave a comment