સંગ્રહ

બસ એક વાર…


બસ એક વાર
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
… કે
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલા,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતા બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વહાલ કરજો
મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલા…
-વર્ષા બારોટ
(નવનીત સમર્પણ ડીસેમ્બર ૨૦૧૧ ના
અંકમાં પ્રગટ થયેલ કૃતિ)

અભિનંદન અને શુભેચ્છાઓ !


મિત્રો, આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે ફીલિંગ્સ દ્વારા આયોજિ…ત વાર્તા સ્પર્ધામાં ઘણી મોટી સંખ્યામાં વાચકો, નવોદિત લેખકોએ ભાગ લીધો હતો.એમાંથી આપણા શબ્દ સાધના પરિવારના વર્ષાબેન બારોટને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે એમની આ સિદ્ધિ બદલ સમગ્ર શબ્દ સાધના પરિવાર અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ આપે છે કે તેઓ શબ્દની સાધના કરતા કરતા ખુબ નામના અને પ્રતિષ્ઠા મેળવે. વધુમાં સમગ્ર શબ્દ સાધના પરિવાર ફીલિંગ્સ પરિવાર અને આયોજકો નો આભાર વ્યક્ત કરે છે કે તેમને આ ઉમદા તક પૂરી પાડી
ફીલિંગ્સ વિષે વધુ માહિતી આ લીંક પર ક્લિક કરવાથી મેળવી શકાશે
ફીલિંગ્સ મેગેઝીન

માલતી કે ભૂરી…. ? ,એક વાર્તા -વર્ષા બારોટ


બાળગીત


સૂરજદાદા સામે જઈને બાળક એવું બોલ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
આવ્યા છો તો આવો તમને
વાત કરું હું મારી
કુમળી શી આ વયમાં મારે
કેવી છે લાચારી
કે.જી ની આ એ.બી.સી.એ બાળપણ મારું રોળ્યું,
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
થાતું મનમાં રોજ સવારે
નીંદર મીઠી માણું
ને સ્વપ્નપરીની સાથે રોજે
ગાઉં મજાનું ગાણું.
ભણતરના આ ભારે મારું સપનું હાથમાં ચોળ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
મમ્મીપપ્પા રોજે મારા હાથોમાં
અરમાનો મોટા મુકતાં
ને આશ ભરેલી આંખોને ,ગાલોને
મારા ચુમવાનું એ ચુકતાં
રમવાનું તો નામ નહીને ભણવાનું બસ મારા માથે ઢોળ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
ધીંગામસ્તીનો સમય ગયોને
ગઈ દાદીથી પરીઓની વાતો
પપ્પાના કોમ્પ્યુટરને મમ્મીની ટીવીએ
મારી વીંધી નાખી રાતો .
સાચુ કહેજો દાદા પાછું જડશે બાળપણ ખોળ્યું?
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?

-વર્ષા બારોટ ,

શ્વાસ!


નવનીત સમર્પણ ના સપ્ટેમ્બર-૨૦૦૯ ના અંકમાં શબ્દ સાધના પરિવાર ના સક્રિય સદસ્ય,કવિયત્રી ,અને લેખિકા એવા વર્ષાબેન બારોટની એક રચના વિધાર્થીઓને શાળાઓમાં વેકેશન પડે એ સાથે માણીએ.. જે અહીં નવનીત સમર્પણના અંકમાંથી સ્કેન કરીને મુકેલી છે એ સાથે હરિકૄષ્ણ પાઠક ની રચના પણ માણવા જેવી છે

એક ગઝલ-યુગ પાલનપુરી


એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે
છે હારમાંય જીત તને નહીં સમજ પડે.

અંદાજ મારો એટલે ખોટો પડ્યો નહીં,
હું શું ગણું ગણિત તને નહીં સમજ પડે.

ખુશ્બુ હ્રદયમાં પ્રીતની રાખ્યા વિના હવે,
મારી ગઝલ કે’ગીત,તને નહીં સમજ પડે.

બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.

તારા વિનય વિવેકમાં કંઈ પણ ઉણપ નથી
સત્કારવાની રીત તને નહીં સમજ પડે.

ઠંડક મળે-સુગંધ મળે-તાજગી મળે,
કોને કહે છે સ્મિત તને નહીં સમજ પડે.

એથી કહું છું હં બધે સતયુગની વાતને,
એમાં છે’યુગ’નું હીત,તને નહીં સમજ પડે.

-યુગ પાલનપુરી