સંગ્રહ

શબ્દ સાધના પરિવારના કવિ મિત્રો સાથે એક મુલાકાત


ડીસા અને પાલનપુર, મારી લાગણીઓ સાથે જોડાયેલા બે નગરો. મોટેભાગે જવાનું થાય તો રોકાવાનું ન થાય એવું થતું હતું. આ વખતે મારા લંગોટિયા મિત્રો હિમાંશુ સુતરીયા, અરવિંદ કચ્છવા અને અશ્વિન ખત્રી સાથે સપરિવાર આખી સાંજ વિતાવવાનું નક્કી કરીને જ ગયેલો. અને ખરેખર મોજ મોજ કરી. ઘણી જૂની યાદોને વાગોળી અને નવા થયાં.

 

હું સવારે પહોચવાનો હતો એટલે બપોરનો સમય મળે તેમ હતો. આથી, મેં પાલનપુરના કવિમિત્રોને મળવાની ઈચ્છા સૌ પહેલા કવિ પરમ પાલનપુરીને જણાવી અને ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ જગતાપ સાથે વાત થઇ અને એમને ખાસ રસ લઈને બધા કવિ મિત્રોને મળવાનો પ્રસંગ સાકાર કર્યો. બપોરે ૩.૩૦ નરેન્દ્રભાઈ મને લેવા આવ્યા અને એમના ઘરે પહોચ્યા. એક દ્વિચક્રીનો મિકેનિક લાગણીઓનું મીકેનીઝમ એના શ્વાસ-ઉચ્છવાસ સાથે નિભાવી રહ્યો છે અને કદાચ ઈશ્વરને પણ એટલે જ ઈચ્છા થઇ હશે તે, એમને ત્રણ દીકરીઓની લાગણીઓમાં ન્હાતા કરી દીધા હશે. એમનો એકદમ સાલસ, હસમુખો સ્વભાવ મને ખાસ સ્પંદનોમાં હલાવી ગયો.
શિવજી રાજપૂત, મારા મોસાળની શાળામાં શિક્ષક, છેક વાવથી આવ્યા હતા. એવી જ રીતે, નવા સિતારા પણ અદકી ચમક ધરાવતા કવિ પંકજ ગોસ્વામી છેક સંતાલપૂરથી મને મળવા પાલનપુર સુધી ૧૬ ડીગ્રી ઠંડીમાં બાઈક લઈને આવેલા. સાહિત્ય પ્રત્યેની એમની અભિરુચિ ખરેખર કાબિલે દાદ છે.
વડીલ કવિઓમાં શ્રી હરેશભાઈ ભાવસાર, મૌન પાલનપુરી. મુક્તકોના કવિ તરીકે એમનો પરીચય યાદ રહી જશે. શ્રી જગદીશભાઈ ઉપાધ્યાય, સ્થાનિક શૈક્ષણિક સંસ્થાના કારકૂન તરીકે સેવાઓ આપે છે અને સાથે શાળાનાં વિદ્યાર્થીઓને સાહિત્ય તરફ ઢાળવાનો સબળ પ્રયાસ કરે છે તે મને ખુબ આનંદદાયક લાગ્યું. એ તો સાથે જયેશ રાજગોર, ૧૧મા ધોરણના વિદ્યાર્થીને લઈને આવેલા. આજે ગઝલના ધસમસતા પ્રવાહમાં જયેશે મને ત્રણ સોનેટ પૃથ્વી છંદમાં બતાવ્યા. આશાસ્પદ છોકરો છે. યોગ્ય દિશામાં એને દોરવાણી મળે તો કાઠું કાઢે તેવો છે.
સમાજસાગર (વીકલી)ના તંત્રી અને ખુબ સારા વાર્તાકાર, બાળ ગીતકાર એવા પ્રવીણભાઈ જોશી “સાર્થક” સાથે ફોન પર વાત અવારનવાર થતી એટલે પરિચય તો હતો, પણ આજે રૂબરૂ મળતા એમ લાગ્યું કે શાંત વાતાવરણમાં સતત પ્રજ્વલિત પોચા રૂની દિવેટ છે – અવિરત પ્રકાશિત. સૌને પરદા પાછળ રહીને પ્રોત્સાહિત કરવાની એમની દિલેરીની હું બે મોઢે પ્રસંશા કરું છું. અને એમાં નરેન્દ્રભાઈ જગતાપ જેવા અનુભવી ધી હોમી રહ્યા હોય તો આ દીવાનું કોઈ હવા કશું બગડી શકે તેમ નથી.
એવા જ બે સાવ જુદા મિજાજના કવિઓ એટલે પરમ પાલનપુરી અને ઈશ્ક પાલનપુરી. બંને પોતપોતાની રીતે વોટ્સેપ ગ્રુપમાં કવિઓને માર્ગદર્શન આપે છે સાથે વિનમ્રતાથી સ્વીકારે પણ છે કે અમને સાચી દિશાના માર્ગદર્શનની જરૂર છે. બંને સાથે રહીને આવા કાર્યક્રમોને સુપેરે પાર પાડવામાં ખંતથી મહેનત કરે છે.
અનિલ લિમ્બચીયા “આંસુ” લાગણીઓની ધાર કાઢવામાં માહેર કવિ છે. એમણે છંદ શીખી લેવાનું મને વચન આપ્યું નથી પણ મેં લઇ લીધું છે. તો એવા જ નવા અવાજવાળા જલોત્રાના કવિ કમલેશ મકવાણા અને પાલનપુરના જ પીયુ પાલનપુરી પણ આશાસ્પદ કવિઓ છે.
મારી અંતરેચ્છા છે કે પાલનપુરનો શૂન્યાવકાશ ભરાય. ઘણું કામ કરવાની ખેવના છે. સમય સાથ આપશે તો જરૂર કરીશ જ. મારા એક શેર સાથે સૌ મારા કવિમિત્રોના પ્રેમને સ્નેહવંદન.

‘મંથનં તો ડીસાનો રહેશે સદા,

એના શિરે આ ગામનું દેવું છે.

– મંથન ડીસાકર

Advertisements

સન્માન સમારોહ


વર્ષા બેન બારોટ ઘણા લાંબા સમયથી શબ્દ સાધના પરિવાર સાથે જોડાયેલા છે અને સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એ વાત માં શંકાને જરાય સ્થાન નથી. હમણાં જ થોડાક દિવસો પહેલા ફીલિંગ્સ મેગેઝીન દ્વારા યોજાયેલી વાર્તા લેખન સ્પર્ધામાં તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું. તે બદલ શબ્દ સાધના પરિવાર દ્વારા તેમનો સન્માન સમારોહ રાખવામાં આવેલ છે.

સ્થળ – શાંતિ હોસ્પીટલ, ડીસા
સમય – સવારે ૯.૦૦ વાગે [10-10-2010, Sunday]

આયોજક – ડો. ભરત મકવાણા, મોસમી મકવાણા, ઈશ્ક પાલનપુરી, “માનવ” અને એ દરેક નામ જે શબ્દ સાધના પરિવારે સાથે જોડાયેલું છે અને રહેશે.

અભિનંદન અને શુભેચ્છાઓ !


મિત્રો, આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે ફીલિંગ્સ દ્વારા આયોજિ…ત વાર્તા સ્પર્ધામાં ઘણી મોટી સંખ્યામાં વાચકો, નવોદિત લેખકોએ ભાગ લીધો હતો.એમાંથી આપણા શબ્દ સાધના પરિવારના વર્ષાબેન બારોટને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે એમની આ સિદ્ધિ બદલ સમગ્ર શબ્દ સાધના પરિવાર અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ આપે છે કે તેઓ શબ્દની સાધના કરતા કરતા ખુબ નામના અને પ્રતિષ્ઠા મેળવે. વધુમાં સમગ્ર શબ્દ સાધના પરિવાર ફીલિંગ્સ પરિવાર અને આયોજકો નો આભાર વ્યક્ત કરે છે કે તેમને આ ઉમદા તક પૂરી પાડી
ફીલિંગ્સ વિષે વધુ માહિતી આ લીંક પર ક્લિક કરવાથી મેળવી શકાશે
ફીલિંગ્સ મેગેઝીન

રીમીઃએક વાર્તા-વર્ષા બારોટ


વર્ષા બારોટ એક કવિયત્રીની સાથે સાથે એક સારા લેખીકા પણ છે તેઓ ગઝલ,ગીત,અછાંદસ,પ્રાર્થના,નિબંધો,પત્ર,ટૂંકી વાર્તા,નવલિકા,નવલકથા વગેરેમાં સક્રિય છે,રોહિત શાહ, ગુર્જર પ્રકાશન દ્વારા એક ટૂંકી વાર્તાઓનું સંપાદન કરવામાં આવ્યું છે જેમાં આશરે ૭૫ અલગ અલગ લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શબ્દ સાધના પરિવારના સદસ્ય વર્ષા બારોટની એક વાર્તા રીમી નો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ બદલ શબ્દ સાધના પરિવાર વતી વર્ષા બારોટને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! આ સાથે સાથે રોહિત શાહ તથા ગુર્જર પ્રકાશન ,અમદાવાદ નો ખૂબ ખૂબ આભાર !આ સંપાદનમાં સમાવેશ પામેલ કોઈ નવોદિત ઉચ્ચ કક્ષાનો લેખક થશે તો એનો શ્રેય રોહિતભાઈ શાહ ને જશે .અહીં નીચે એ પુસ્તકનું મુખપૃષ્ઠ તથા અંદરનું કવર પેજ અહીં મુકેલું છે

‘વાર્તાઉત્સવ’
સંપાદક રોહિત શાહ,
પ્રકાશકઃઅમરભાઈઠાકોરલાલ શાહ,
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળના નાકા સામે,
ગાંધીમાર્ગ,અમદાવાદ-૧
ફોનઃ૨૨૧૪૪૬૬૩,
email:goorjar@yahoo.com માંથી પ્રાપ્ય છે
તેની કિમત રુઃ ૨૫૦/-છે કુલ પૃષ્ઠ ૧૨+૩૮૮ નકલઃ૧૨૫૦ પ્રથમ આવૃતિઃ૨૦૦૯

વધુંમાં વર્ષા બારોટની’રીમી’ વાર્તા આપણા અગ્રણી સાહિત્યિક સામાયિક ‘અખંડ આનંદ’ના ડિસેમ્બર,૨૦૦૯ ના અંકમાં વાર્તા જગત વિભાગમાં સમાવેશ પામી છે તો એ બદલ ફરીથી વર્ષા બારોટ ને અભિંદન! અને અખંડ આનંદ ના સંપાદકોનો પણ આભાર !અહીં નીચે અખંડ આનંદમાંથી સ્કેન કરીને વાર્તા અહીં મૂકી છે જે આપને ગમશે !તમારા અમુલ્ય અભિપ્રાય આપશો તો વધું ગમશે !

ખબર ન પડે


૨૧મી જૂન એટલે પાલનપુરની રોનક એવા કવિશ્રી મુસાફિર પાલનપુરી નો જન્મ દિવસ !શબ્દ સાધના પરિવાર ના દરેક સદસ્ય આ પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. એ પાલનપુર ને ખૂબ નામના અપાવે અને દીર્ઘાયું ભોગવે એવી આ શુભ પ્રસંગે અંતઃકરણની મહેચ્છા !એમનું મુળ નામ-સિંધી અમીરમહંમદ દીનમહંમદ,ઉપનામઃ’મુસાફિર પાલનપુરી ,જન્મ તારીખઃ૨૧/૦૬/૧૯૪૩,વ્યવસાયે શિક્ષક[હાલ નિવૃત]રહેવાનું ‘સૂકુન’ જૂના ડાયરા,સલેમપુરા પાલનપુર,પાલનપુરી ગઝલ વારસાને આજ પ્રર્યત જેઓ એ ધબકતો રાખ્યો છે,એવા અલગારી કવિ ના જન્મ દિવસે ચાલો માણીએ એમની જ એક ગઝલ…

નજર નજરથી મળી જાય ને ખબર ન પડે.
અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે.

કશુંક પ્રાણ સુધી જાય ને ખબર ન પડે.
ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે.

પ્રથમપ્રથમનો પરિચય!સહજસહજનો લગાવ,
પ્રગાઢ પ્રીત બની જાય ને ખબર ન પડે.

કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધાં-
હ્રદય ને કોઈ ગમી જાય ને ખબર ન પડે.

સલામ! રૂપની ભુરકી!તને હજાર સલામ!
કે રોમ રોમ રમી જાય ને ખબર ન પડે.

છે એ જ પ્રેમની મસ્તીનો સાચે સાચ ખુમાર,
હિમાલયોય નડી જાય ને ખબર ન પડે.

કહે છે જેને જીવન,કંઈ અજબ કલાધર છે!
મરણનો ઘાટ ઘડી જાય ને ખબર ન પડે.

મળી ગયું તે ગયું!જે નથી મળ્યું એ રહ્યું,
સમય બધું જ કહી જાય ને ખબર ન પડે.

પ્રસિદ્ધિઓને તરસનાર ત્રસ્ત જીવ ઘણા,
પ્રસિદ્ધિઓથી મરી જાય ને ખબર ન પડે.

થયા છે એય અનુભવ ગઝલની મહેફિલમાં,
કોઈની દાદ મળી જાય ને ખબર ન પડે.

ઘણીયેવાર મુસાફિર!ગઝલના શે’ર સ્વયં,
વિધિના લેખ બની જાયને ખબર ન પડે.

અવસર ઓજસ નો


પાલનપુર મુકામે મુશાયરો,ગઝલ સંધ્યા,અને ગઝલ પુસ્તક વેમોચન જેવો ત્રિવેણી કાર્યક્રમ તા.૨૮/૦૩/૦૯ ના રોજ યોજાઈ ગયો જેનો અહેવાલ શબ્દ સાધના પરિવાર ના એક સભ્ય ને કવિયત્રી વર્ષા બારોટે શબ્દો માં આ રીતે કંડાર્યો છે જે અત્રે પ્રસ્તુત છે.
મુશાયરા,સુગમ સંગીતના કાર્યક્રમો અને ઉર્દૂ ગાયકીની મહેફિલોનું અવાર નવાર આયોજન કરતા રહેતા શૂન્ય પાલનપુરી સ્મારક ટ્રસ્ટ તરફથી પાલનપુર મુકામે શ્રી કાનુભાઈ મહેતા હોલમાં તા.૨૮/૦૩/૨૦૦૯ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે પાલનપુર નગરી ના મુર્ધન્ય કવિશ્રી ઓજસ પાલનપુરી સાહેબ ના ગઝલ-મુક્તક સંગ્રહ ‘ઓજસ’ની બીજી આવૃતિ ના વિમોચનની સાથે-સાથે ગઝલક્ષેત્રે કાર્યરત એવા શબ્દ સાધના પરિવાર દ્રારા શબ્દ સાધના પરિવારના નવોદિત કવિઓનો ગઝલ સંગ્રહ ‘પાંગરતી કલમે’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
‘અવસર ઓજસનો’નામે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના વતની અને હાલ સુરત નિવાસી શ્રી અમર પાલનપુરી સાહેબ તથા ગઝલ ગાયકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ મુંબઈ નિવાસી શ્રી ઉસ્માન મીર સાહેબ ઉપસ્થિત રહયાં હતાં
આ પ્રસંગે પાલનપુરના નગરીના લાડીલા શાયર શ્રી મુસાફિર પાલનપુરી સાહેબ તથા શહેરના ગઝલ રસિકોની ઉપસ્થિતીમાં શ્રી અમર સાહેબે ઓજસ પાલનપુરી સાહેબના ગઝલ-મુકતક સંગ્રહ ‘ઓજસ’ની બીજી આવૃતિનું તથા શબ્દ સાધના પરિવારના નવોદિત કવિઓનો ગઝલ સંગ્રહ ‘પાંગરતી કલમે’ નુ વિમોચન કર્યું હતું અને એ સાથે પ્રો.યશવંત રાવલ સાહેબને એમણે પ્રદાન કરેલા પુસ્તકો’પાલનપુરનો ઈતિહાસ”પાતાલનગર’ અને પાલનપુર નગરી વિશેના સંશોધન પત્રો બદલ શાલ ઓઢાડીને અમર સાહેબે એમનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઓજસ સાહેબના જીવન અને કવન વિશે જણાવતાં અમર પાલનપુરી સાહેબે કહ્યું હતું કે:કે.આસિફ અને મહેબુબ જેવા દિગ્દર્શક જેમની ચિત્ર કલાના દિવાના હતા એવા અલીમિયાં સૈયદ નો દિકરો મોટામિયાં સૈયદ એટલે આપણો ઓજસ પાલનપુરી.ગઝલના પ્રખર પંડિત એવા શૂન્ય પાલનપુરી સાહેબના શિષ્ય ઓજસ સાહેબને શાયર નહી પણ ફકીર,ઓલીયો અને અલગારી જીવ કહીને અમર સાહેબે એમની ગઝલોની ભારોભાર પ્રસંશા કરી હતી.વધુ માં એમણે જણાવ્યું હતું કે ‘શાયરો ના પ્રિય શાયર’નું બિરુદ મેળવી ચૂકેલા ઓજસ સાહેબનો બેનમૂન શેર
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

કે જેણે ગુજરાતી ગઝલના ઈતિહાસ માં એમને હંમેશ ને માટે અમર બનાવી દીધા છે .અમર સાહેબે પોતાની જીંદગીના અંગત પાંના ખોલતા વધુંમાં જણાવ્યું હતું કે એક વખત મુંબઈ માં કોઈ ફિલ્મના શુટીંગ દર્મિયાન અભિનેત્રી મીનાકુમારી,અભિનેતા ગુરુદત્ત સાહેબ ની હાજરી માં શાયર શ્રી સાહિર લુધિયાનવી સાહેબને ઉપરોક્ત શેર અમર સાહેબે સંભળાવતાં તેઓ ખુશ થઈ ગયા હતાં અને કોઇક વાર આ શાયર સાથે મુલાકાત કરાવજે એમ કહ્યું હતું વધું માં આ શેર થી પ્રભાવિત થઈ એમણે કહ્યું હતું ક મારી બધી જ રચનાઓ હું તમારા નામે કરી દઉં જો તમે આ શેર મારા નામે કરી દો.
પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા ઓજસ સાહેબની મસ્તી વિશે જણાવતા અમર સાહેબે કહ્યું કે ઓજસ હંમેશા ઘવાયેલો જ રહેતો એના શરીરમાંથી લોહી નીકળતું હોય ને એને ખબર પણ ન હોય,અને એથી જ હું પોતે એમને ‘ઘવાયેલો સોલ્જર’ કહેતો.અને કદાચ એથી જ ઓજસ ના હદયમાં થી પણ આવાં શબ્દો વહી નીકળ્યાં હશે કે..

દિલાસા આપનારાઓએ મારું ધ્યાન દોર્યું છે,
નહીંતર હું દુ:ખી છું એની મુજને તો ખબર ન્હોતી.

ઓજસ સાહેબના સર્જનની પ્રસંશા ની સાથે સાથે શ્રી અમર સાહેબે તથા શ્રી મુસાફિર સાહેબે ‘પાંગરતી કલમે’ગઝલ સંગ્રહ ને પણ પ્રશંસા ના શબ્દ પુષ્પોથી નવાજયો હતો.
શબ્દની સાથે શુર અને તાલ મળે તો સાંભળનાર લીન થયા વગર રહે ખરો? એ યુક્તિને સાર્થક કરતાં હોય તેમ શ્રી ઉસ્માન મીર સાહેબે એમના મધુર કંઠ થકી સતત ત્રણ કલાક સુધી શ્રોતાજનોને જકડી રાખીને સમગ્ર કર્યક્રમ ને રસપુર્ણ બનાવ્યો હતો.વધુમાં તેમણે શુન્ય સાહેબને યાદ કરતા તેમની ઉર્દુમાં રુમાની ઉપનામથી લખાયેલી ગઝલ ‘મે કિસીસે દિલ લગાકે બૈઠા હું, મે અપની હસ્તી મીટાકે બૈઠા હું’ સંભળાઈને રસમાં તરબોળ કરી દિધાં હતા.
અને અંતે શુન્ય સ્મારક ટ્ર્સ્ટ ના ખંતીલા અને કલારસિક મેનેજીંગ ટ્ર્સ્ટી શ્રી શૈલેષભાઈ મહેતાના પ્રયત્નો થકી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.

-વર્ષા બારોટ ,ઝેરડા
મો.૯૯૭૯૭૪૭૨૧૦

‘શૂન્ય’ પાલનપુરી ને શ્રદ્ધાંજલી


સભા પર કરો એક પારેખ દ્રષ્ટી,
હજારો ને લાખો માં પરખાઈ જાશું.

તા.૧૭/૦૩/૨૦૦૯ ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ શૂન્ય પાલનપુરીને ૨૩મી પૂણ્યતીથી નીમીતે શબ્દ સાધના પરિવાર હદયથી એમને શ્રદ્ધાંજલી પાઠવે છે.

શૂન્ય ગુજરાતી ગઝલનુ એવુ નામ કે જે નામ સાંભળતા જ દરેક ગઝલ ચાહકનું હૈયું દાદ માં વાહ !બોલી ઉઠે.શૂન્ય ગુજરાતી ગઝલની આન છે,શાન છે અને પહેચાન છે.ગુજરાતી ગઝલની વાત શૂન્ય ની વાત વગર અધુરી છે એમ કહીએ તો પણ ચાલે.

અમે કો એકના થઈ ને સકળ ત્રિલોક લઈ બેઠા,
તમે પણ શૂન્ય થઈ જાઓ આ સૃષ્ટી તમારી છે.

એમણે પોતાનું જીવન ગઝલને અર્પણ કરી દીધું

જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે
મરણ આવે તો એને કહી શકું’મીલ્કત પરાઈ છે’

ગઝલકાર તરીકે શૂન્યની વિશિષ્ટતા એ છે કે એમની બાની ગઝલની સુંદરતા વધારતી રહી છે.તેમણે ગઝલને ફક્ત સ્ત્રી નહીં પણ સર્વાંગ સુંદર અને નાજુક નમણી નાર તરીકે ચાહકો સમક્ષ પેશ કરી છે.

શૂન્ય આજે છે કૂબેરો નો કૂબેર
હાથમાં એના ગઝલ-દીવાન છે.

શૂન્ય એટલે શૂન્ય પણ શૂન્ય વગર ગઝલ એકડા વગરનું મીંડુ તોય અતિશોક્તિ નથી.

એ વાત ઔર છે કે મોહ નથી નામ નો,
બાકી તમારો શૂન્યતો લાખોમાં એક છે.

શૂન્ય પાલનપુરી ની ૨૩મી પૂણ્યતીથી ને અનુલક્ષીને શૂન્ય સ્મારક ટ્ર્સ્ટ,પાલનપુર દ્રારા તા.૨૮/૦૩/૨૦૦૯ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કાનુભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન પાલનપુર ખાતે એક ગઝલ સંધ્યા નુ આયોજન કરેલ છે. આ ગઝલ સંધ્યા માં પ્રખ્યાત ગાયક ‘ઓસ્માન મીર’ તેમની ગઝલ ગાયકી રજૂ કરશે.આ શુભ અવસરે ‘ઓજસ’પાલનપુરી ના ગઝલ સંગ્રહ ‘ઓજસ’અને બનાસકાંઠા ના નવોદિત કવિઓની કલમે લખાયેલ ગઝલ પુષ્પ ‘પાંગરતી કલમે’ નું વિમોચન શ્રી ‘અમર’પાલનપુરી ના હસ્તે રાખેલ છે.શૂન્ય ના ચાહકો અને ભાવકો તેને માણવાનું ભાવ ભર્યું આમંત્રણ છે.જેના માટે પ્રવેશ પાસ નરેન્દ્રભાઈ જગતાપ[શબ્દ સાધના પરિવાર]પાસેથી મેળવી લેવા જેમનો મો.નં ૯૪૨૯૨૯૦૦૩૩,૯૮૭૯૧૯૮૯૮૨ છે.