સંગ્રહ

વાર્તા-વર્ષા બારોટ


12345678

Advertisements

નહીતર રે’જો તમે કોરા .


એવા તે રંગમાં રંગાવું શું ?સખી લાગે નહીં જે કદી ઘેરા,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે’જો તમે કોરા .

જીવતરની કાચી કુંપળને કદી ફૂટે જો ફાગણ ના ફૂલ !
તો ખૂશ્બોના હિંડોળે બેસાડજો ઘડી ,ને પછી ગમતા ને કે ‘જો કે ઝૂલ !

મોકો મળે તો સખી ખીલવાની મોંસમ માં ખૂલી જજો પુરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

પાંપણ ની ડાળખી ને ઉગે ઉજાગરા તો શમણા ને દેજો રે પાંખો !
લથબથતી લાગણી ને ઢોલિયે બીછાવજો ને પનઘટે બેસાડજો આંખો!

હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

-વર્ષા બારોટ

બસ એક વાર…


બસ એક વાર
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
… કે
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલા,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતા બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વહાલ કરજો
મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલા…
-વર્ષા બારોટ
(નવનીત સમર્પણ ડીસેમ્બર ૨૦૧૧ ના
અંકમાં પ્રગટ થયેલ કૃતિ)

તું રહ્યો કાનજી કાળો ને………


તું રહ્યો કાનજી કાળો ને હું તો છું ગોરીગોરી રાધાની જાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

રોમરોમ આવી જાણે વૃંદાવન બેઠું
એમ જાતને ઘેલી મેં કીધી,
નસનસમાં વહેતી થઈ લાગણીયો એમ
આખી યમુનાને આજ મેં પીધી.

આઠેપહોર મને ઘેનમાં ડુબાડીને જોજે પાછો કહેતો ના કોઈને તું વાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

સોળસો ગોપીયોથી ઝાઝેરા શમણાઓ
આંખોની ગલીયોમાં ખેલે છે રાસ,
સૌ રે શમણાઓ હવે સાચુકલા થાશે
એવી હૈયામાં ઝીણીઝીણી જળે છે આશ.

પાંપણ ખુલી ને મારે આંગણિયે જોઉં તો ગોકુળિયું લઈને આજ ઉભું પ્રભાત!
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

વાંસળીના સૂરમાં તેં રેલાવ્યું હૈયું
ને કદમ્બનું વૃક્ષ થઇ હું ફાલી,
નોતું જાણ્યું કે જાત ગોવર્ધન થાશે
મેં તો અમથીઅમથી તારી આંગળીતી ઝાલી.

ભવભવનો સાથ હવે છૂટશે નહિ રે ભલે ફરીએ ના ફેરાઓ સાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

-હેપ્પી જન્માષ્ટમી
-વર્ષા બારોટ

પત્ર પુષ્પ-2


પ્રિય ,

અલૌકિક

રંગોત્સવ મુબારક !!

ઘણા દિવસ બાદ ફરી આજે તને પત્ર લખવાનું મન થયું .રંગોનો ઉત્સવ હોય ને તું મને યાદ ના આવે એવું બને ખરું ? તું કેમ છે એવું આજે નહિ પૂછું, કારણ કે છેલ્લે મેઘધનુષી રંગોમાં તારા અસ્તિત્વને નિહાળ્યા પછી મારા મન પ્રદેશમાં જામેલા રંગોત્સવમાં તે વેરેલો સોનલવર્ણો શિયાળુ તડકો ને કડકડતી ધુમ્મસભરી સવારો મારા અસ્તિત્વને તારા આનંદોત્સવનો અહેસાસ કરાવતી રહી .

મારો આનંદ,મારું સુખ કે મારા દુ:ખની અવસ્થાઓ કદાચ ચંદ્રની કળાની જેમ વધેઘટે પણ તું તો સદાબહાર !કદાચ એથી જ સમગ્ર શિયાળા દરમિયાન પીળો ,સફેદ ને સોનેરી રંગ તું મને મોકલાવતો રહ્યો.રંગો સાથેની તારી આ પ્રીત એ મારા પ્રત્યેનો તારો લગાવ નહીં તો બીજું શું ? નહીંતર તે મોકલેલા શિયાળુ રંગોથી , પાંપણની પેલે પાર, મારા મનપ્રદેશમાં મેં પુરેલી રંગોળી અધુરી ન રહી જાય એ માટે રંગોના રાજા વસંતને રંગબેરંગી
સુગંધી ફૂલો લઈને મારા સુધી તું મોકલે ખરો ?

રંગોત્સવના આ શુભદિને ,મારા પ્રત્યેની તારી આ પ્રીતના બદલામાં હું શું આપું તને ? એક હૃદયના રંગ સિવાય મારી પાસે જે રંગો છે એ તો બધાજ તારા છે ….કયો રંગ આપું તને ?

તારા ઉત્તરની રાહ જોતી

તારી દુન્યવી

પત્ર પુષ્પ -1


પ્રિય ,

અલૌકિક

કેમ છે ?

છેલ્લે ,તારા ઉત્તરની રાહ જોવામાં સવાર લગી મને સાથ આપનારો વરસાદ ક્યાંક ચાલ્યો ગયેલો ,તે બે -ત્રણ દિ’ સુધી દેખાયો જ નહીં. એ દરમિયાન તક જોઈને આકાશે કોરું કાઢેલું પણ મારા હૃદયમાં તો ભીનાશ છવાયેલી જ રહી ! કદાચ તારી યાદની ઝરમર કારણભૂત હશે !

મોકો જોઇને ઉઘાડુંભટ થયેલું આકાશ મને ગમ્યું !! થયું એની આ દિગંબર અવસ્થાને માણું ,એને સ્પર્શું ,એની પીઠ પર, છાતી પર મારી આંગળીઓના મૃદુ સ્પર્શને વહાવું ………. મન પંખી બની ઉઠ્યું ! ને વિચારો પંખો બનીને લઇ ગયા મને છેક આકાશની સમીપે .

પળભર હું અનિમેષ નીરખી રહી એને ……. સાંભળી રહી એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .

કેટલું અદભૂત છે તારું આ નામ અલૌકિક !!!!!

સદા તને નીરખતી

તારી દુન્યવી .

-વર્ષા બારોટ