સંગ્રહ

નહીતર રે’જો તમે કોરા .


એવા તે રંગમાં રંગાવું શું ?સખી લાગે નહીં જે કદી ઘેરા,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે’જો તમે કોરા .

જીવતરની કાચી કુંપળને કદી ફૂટે જો ફાગણ ના ફૂલ !
તો ખૂશ્બોના હિંડોળે બેસાડજો ઘડી ,ને પછી ગમતા ને કે ‘જો કે ઝૂલ !

મોકો મળે તો સખી ખીલવાની મોંસમ માં ખૂલી જજો પુરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

પાંપણ ની ડાળખી ને ઉગે ઉજાગરા તો શમણા ને દેજો રે પાંખો !
લથબથતી લાગણી ને ઢોલિયે બીછાવજો ને પનઘટે બેસાડજો આંખો!

હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

-વર્ષા બારોટ

Advertisements

તું રહ્યો કાનજી કાળો ને………


તું રહ્યો કાનજી કાળો ને હું તો છું ગોરીગોરી રાધાની જાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

રોમરોમ આવી જાણે વૃંદાવન બેઠું
એમ જાતને ઘેલી મેં કીધી,
નસનસમાં વહેતી થઈ લાગણીયો એમ
આખી યમુનાને આજ મેં પીધી.

આઠેપહોર મને ઘેનમાં ડુબાડીને જોજે પાછો કહેતો ના કોઈને તું વાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

સોળસો ગોપીયોથી ઝાઝેરા શમણાઓ
આંખોની ગલીયોમાં ખેલે છે રાસ,
સૌ રે શમણાઓ હવે સાચુકલા થાશે
એવી હૈયામાં ઝીણીઝીણી જળે છે આશ.

પાંપણ ખુલી ને મારે આંગણિયે જોઉં તો ગોકુળિયું લઈને આજ ઉભું પ્રભાત!
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

વાંસળીના સૂરમાં તેં રેલાવ્યું હૈયું
ને કદમ્બનું વૃક્ષ થઇ હું ફાલી,
નોતું જાણ્યું કે જાત ગોવર્ધન થાશે
મેં તો અમથીઅમથી તારી આંગળીતી ઝાલી.

ભવભવનો સાથ હવે છૂટશે નહિ રે ભલે ફરીએ ના ફેરાઓ સાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

-હેપ્પી જન્માષ્ટમી
-વર્ષા બારોટ

ગમતી Girl friend નું ગીત


College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

વાતોમાં Time એવો વહી જાય, ક્યાંક ઊતરી પડે અંધારું.

Jeans ને T-shirt નું કરે Matching

એવું મારી એની વચ્ચે થાતું,

Spray ની સુગંધ એવી ફેલાય

ક્યાંક મન Lip stick માં સમાતું.

હળવેકથી Smile એ એવી આપે ને હૈયું ભીજાઈ જતું, પ્યારું !

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

Sunday ની રજા ને Hotel નું ભોજન

મારી ખાધેલી Item એને બહુ ભાવે,

Talkies ને Garden મળવાનું સ્થળ

પાછી સપનામાં રોજ એ આવે.

છૂટ્ટા પડીએ ત્યારે Cell phone કેવો સાચવે સગપણ અમારું,

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

બાળગીત


સૂરજદાદા સામે જઈને બાળક એવું બોલ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
આવ્યા છો તો આવો તમને
વાત કરું હું મારી
કુમળી શી આ વયમાં મારે
કેવી છે લાચારી
કે.જી ની આ એ.બી.સી.એ બાળપણ મારું રોળ્યું,
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
થાતું મનમાં રોજ સવારે
નીંદર મીઠી માણું
ને સ્વપ્નપરીની સાથે રોજે
ગાઉં મજાનું ગાણું.
ભણતરના આ ભારે મારું સપનું હાથમાં ચોળ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
મમ્મીપપ્પા રોજે મારા હાથોમાં
અરમાનો મોટા મુકતાં
ને આશ ભરેલી આંખોને ,ગાલોને
મારા ચુમવાનું એ ચુકતાં
રમવાનું તો નામ નહીને ભણવાનું બસ મારા માથે ઢોળ્યું
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?
ધીંગામસ્તીનો સમય ગયોને
ગઈ દાદીથી પરીઓની વાતો
પપ્પાના કોમ્પ્યુટરને મમ્મીની ટીવીએ
મારી વીંધી નાખી રાતો .
સાચુ કહેજો દાદા પાછું જડશે બાળપણ ખોળ્યું?
સવાર કેરું બારણું દાદા શીદને પાછું ખોલ્યું?

-વર્ષા બારોટ ,

ગુજરાત ગૌરવ ગાન


આવો ગાઈએ સાથ મળીને ,ગૌરવ ગીત ગુજરાતનુ!
સ્વપ્ન સાકાર થયું આપણું ,સ્વર્ણિમ ગુજરાતનું ! આવો ગાઈએ…

શિખર ઉપર અંબામાતા,આધશક્તિ આ વિશ્વની,
ડાકોરમાં બેઠો છે કાનો,નામે રણછોડરાયજી… આવો ગાઈએ…

પૂરવમાં પાલીતણા ને,પશ્વિમે છે દ્વારકા,
પાવાગઢની માંહે સોહે,કેવી સુંદર કાલકા! આવો ગાઈએ…

નર્મદામૈયા વહે ચરણમાં, તૃષા છીપાવે રાજની,
ઉંચા પર્વત પહેરો ભરતા,ગિરીમાળા ગુજરાતની! આવો ગાઈએ…

ગાંધીબાપુ,મેઘાણીને ધીરુભાઈ ગુજરાતના,
ભક્ત નરસૈયો ભક્તિ જાણે,જલારામની નામના! આવો ગાઈએ…

સરદારની કરીએ ઓળખ,વિક્રમ સારાભાઈ ‘ને
પિત્રોડાની સિધ્ધી જાણો,ધન્યવાદ વિજ્ઞાનને! આવો ગાઈએ…

શ્યામજીકૃષ્ણ વર્મા જેવા,ક્રાન્તિવીર ગુજરાતના.
‘નરેન્દ્ર’જેના સારથી છે સુવર્ણ રથ ગુજરાતના! આવો ગાઈએ…

એકવીસમી સદીનું સ્વપ્ન, ‘સાર્થક’ થયું જણાય છે,
વિકાસની એ અવિરત ધારા,વણથંભી વણઝાર છે! આવો ગાઈએ…

જગદીશભાઈ એમ.ઉપાધ્યાય ‘સાર્થક’
૩૫,અંજલી બંગ્લોઝ
મીની અંબિકાનગર પાસે
પાલનપુર જિ.બ.કાં
ફોન.(૦૨૭૪૨)૨૫૬૧૪૫
મો.૯૪૨૯૪૨૨૦૩૦
email: jagdish_sarthak@yahoo.in
વેબઃ https://sspbk.wordpress.com

બાઈ રે! હું તો શમણાં વીણવા હાલી


રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી.
અડધી રાતે બાઈ રે!હું તો શમણાં વીણવા હાલી.
સોળ ચોમાસા ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે,ગામની નદીયું ખાલી.
અડધી રાતે બાઈ રે! હું તો શમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે,
ભેળી હું ય ઘણી ઢોળાઉં
માઢને મેડી,ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળતી આવી,ધૂળમાં જોબન લાલી.
અડધી રાતે બાઈ રે! હું તો શમણાં વીણવા હાલી.
-પ્રો.મહેશભાઈ મકવાણા

રબારણ નુ ગીત


તારા વિના કેમ કરી ફાવશે,રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે,રબારણ.
જોયા ને દિવસો નહિ જાણે સદિઓ થઈ,
રાહ જોવુ તારી રંગ -રસીયો થઈ.
કહે ને દોસ્ત, તુ ક્યારે આવશે રબારણ?
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
સાંજ ના સુમારે ગાયો ભાંભરશે,
દોસ્ત, અચાનક મને તુ સાંભરશે.
આ,અબોલની કોણ ખબર કાઢશે રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
મને તારી ઓઢ્યા કોર ના સમ છે,
અહિંયા સનમ બધુજ હેમખેમ છે.
બસ ‘ઈશ્ક’ને તારી કમી સાલશે રબારણ,
દિલને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.

-‘ઈશ્ક’પાલનપુરી