સંગ્રહ

બસ એક વાર…


બસ એક વાર
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
… કે
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલા,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતા બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વહાલ કરજો
મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલા…
-વર્ષા બારોટ
(નવનીત સમર્પણ ડીસેમ્બર ૨૦૧૧ ના
અંકમાં પ્રગટ થયેલ કૃતિ)

Advertisements

શ્વાસ!


નવનીત સમર્પણ ના સપ્ટેમ્બર-૨૦૦૯ ના અંકમાં શબ્દ સાધના પરિવાર ના સક્રિય સદસ્ય,કવિયત્રી ,અને લેખિકા એવા વર્ષાબેન બારોટની એક રચના વિધાર્થીઓને શાળાઓમાં વેકેશન પડે એ સાથે માણીએ.. જે અહીં નવનીત સમર્પણના અંકમાંથી સ્કેન કરીને મુકેલી છે એ સાથે હરિકૄષ્ણ પાઠક ની રચના પણ માણવા જેવી છે

આતંકવાદ


ગઈ સાલ છવ્વીસમી નવેમ્બરે મુંબઈમાં એક આતંકવાદી ગોઝારી ઘટના ઘટી ગઈ તે ના ઘા હજુંય રુઝાયા નથી ,પાલનપુરના કવિશ્રી ‘સાર્થક’એક કેમેરામેન આખી ઘટનાનો ફોટો પાડે તેમ આખી આ ઘટના એક કવિતામાં આ રીતે કંડારે છે અને પોતે અનુભવેલ દેશ દાઝ આ રીતે છતી કરે છે અને શહીદો ને શબ્દો દ્વારા આ રીતે શ્રધ્ધાંજલી અર્પે છે

છવ્વીસમીએ આતંક છાયો,બૃહદ મુંબઈ મધ્યે આયો
આલીસાન હોટલમાં આયો,કાળ તણો સાક્ષાત પડછાયો…..છવ્વીસમીએ

તાજ,નરીમાન,ઓબેરોય,ઊંચા મજલા નીચે ભોય
એ.કે સુડતાલીસની સોય ભોંકે એતો પડતા ભોય………..છવ્વીસમીએ

રાડારોળને ચીસાચીસ,ત્યાંતો માર્યા પૂરા વીસ
ફાયર ફંડા કરતા કીસ,થોડીવારમાં એકસો વીસ……….છવ્વીસમીએ

મુંબઈ આખું ધ્રુજ્યું જેમ,એકાએક આ થયું જ કેમ?
પાકિસતાને લીધી જ નેમ,ભારત આખુ ફફડે એમ……..છવ્વીસમીએ

આતંકવાદી આવ્યા દશ આતંક કીધો મોટો મસ
બહું લોકોને કિધા વશ કોણ કહે કે કરજો બસ………….છવ્વીસમીએ

પ્રવાસીઓ આ દેશના લોકો,વિદેશના સપડાયા લોકો
હેન્ડ ગ્રેનેડનો પડતો ધોકો,આતંકવાદીએ લીધો મોકો….છવ્વીસમીએ

બંધક કીધા બહુ જન લોક,ઢાળ્યા ત્યાંતો દોઢસો કો’ક
જીવતા રહ્યા તે મૂકે પોક હવે કોણ લગાવે રોક………છવ્વીસમીએ

એન.એસ.જી કમાન્ડો આવ્યા,એ.ટી.એસ જવાનો આવ્યા
હવાઈ દળ મર્દાના આવ્યા,સઘળા રક્ષક દોડી આવ્યા…છવ્વીસમીએ

એક નહી પણ હોટલ ચાર,સંતાયા નોખા સૌ યાર
જ્યાં જુએ ત્યાં મારે ઠાર ,ચારે બાજુ હાહાકાર……..છવ્વીસમીએ

આતંકવાદી છૂપતા જાય,સંતાકૂકડી રમતા જાય
વીર જવાનો દેખી જાય ગોળી રમઝટ કરતા જાય…છવ્વીસમીએ

સામ સામું યુધ્ધ ખેલાયું લોહી નદીઓ જેમ રેલાયું
શહેર મધ્યે શું ફેલાયું ?રણ મેદાને યુધ્ધ ખેલાયું….છવ્વીસમીએ

આતંકવાદી માર્યા ઠાર,કોઈ કહે છે દશ બાર
ઓછો કીધો નવનો ભાર ,ઓપરેશન એ પાડ્યું પાર…છવ્વીસમીએ

માર્યા ગયા તે બસ્સો લોક ,નર નારીને બાળક કો’ક
ઘાયલ થયા તે બમણો થોક કેમ કરીને કરવો શોક ….છવ્વીસમીએ

ઓપરેશનના શહીદ કમાન્ડો ,એ.ટી.એસ.ના વીર જવાનો
સલામ પહોચે વીર શહીદો ભારતના ભડવીર જવાનો…છવ્વીસમીએ

દેશના કાજે દીધા પ્રાણ ,દુશ્મનોના લીધા પ્રાણ
હજ્જારો બચાવ્યા પ્રાણ છુટકારો થયો આ ત્રાણ…….છવ્વીસમીએ

દેશ વિદેશમાં ઉપડ્યા કોલ આખી દુનિયા પીટાયો ઢોલ
આતંકવાદે સાધ્યો ગોલ ,પાકિસ્તાનનું ખુલ્યું પોલ …છવ્વીસમીએ

અજગર આતંકવાદ તણો છે ફૂલ્યો ફાલ્યો એ ઘણો છે
નાથો તોયે સાપ કણો છે જડમૂળથી એ નાશ હણો છે…છવ્વીસમીએ

-જગદીશ એમ.ઉપાધ્યાય ‘સાર્થક’

ઝાડ


હું
ધારું તો
આ સૃષ્ટિ નો
સર્વનાશ કરી શકું છું
પણ
નહીં
બીજા જીવો નું શું?!!
કિન્તું,
આ માણસ ની જાત
ક્યાં કશું સમજે છે.
એને
એ પણ ભુલાઇ ગયું લાગે છે
કે
મારા લીધે એ જીવે છે
છતાં તે હજી મને કાપ્યા કરે છે
અરે ઓ કૂતરા!
અરે ઓ ગધેડા!
અરે ઓ વાંદરા!

માણસ ને સમજાવ..!

-વિજય ચલાદરી

યુવા કવિ વિજયભાઈ ચલાદરી નું આજે પર્યાવરણ દિન યાદ કરાવતું અછાંદસ સાંભળવા મળ્યું વિજયભાઈ એક સારા ગઝલકાર છે તે ઉપરાંત તેઓ ક્યારેક ગીત ,અછાંદસ પણ લખે છે.કવિશ્રી ના અછાંદસ સાથે ચાલો પર્યાવરણ દિનની ઉજવણી કરીએ.માણસ ને સમજાવવા માટે પણ કવિ ને પશુઓ ને વિનંતી કરવી પડે એ માણસ જાતની કેટલી કટુતા!

હું કોણ છું?


હું અત્ર,તત્ર,સર્વત્ર છું
એટલે એવુ ન માની લેશો
કે હું ઈશ્વર છું
હું અત્ર,તત્ર,સર્વત્ર છું
પણ હું કોઈ ઋષિ નો
મંત્ર(શબ્દ બ્રહ્મ) નથી
હું અત્ર,તત્ર,સર્વત્ર છું
એટલે એનો અર્થ એમ
નથી કે હું સ્વતંત્ર છું
બધે છે વિસ્મય,આશ્ચર્ય
ને અચરજ ઘણું
તેમ છતાંય હું
કોઈ જંત્ર નથી
તો પછી
હું કોણ છું?
હું યંત્ર છું
હા હું યંત્ર છું,યંત્ર છું યંત્ર છું
-શરદ ત્રિવેદી

અનોખી દાદ


સુરજે કહયું :
નિશાને,
તુ રાતભર લખતી રહે
મને જે કહેવું છે તે
સિતારાઓ રુપે.
હું વહેલી સવારે દાદમાં
જવાબો વહેતા કરીશ
પ્રભાત રુપે

વર્ષા બારોટ