તું ને આ વરસાદ


વરસાદ ની મૌસમ પુરજોશમાં ખીલી છે. બધે જ વરસાદી વાતાવરણ છે એમાંય કવિઓની આ પ્રિયમૌસમ છે,તો આજે માણીએ પ્રો.મહેશભાઈ મકવાણા ની એક વરસાદી ગઝલ અને ભીંજાઈએ આ ઝરમર વરસાદમાં કોઈની યાદો ની સાથે…

આજ અનરાધાર વરસે તું ને આ વરસાદ;
ચિત્ત ડામાડોળ કરશે તું ને આ વરસાદ.

આ પવન પાગલ,અદા બાંકી,થીરકતી ચાલ,
લોહીમાં બેફામ ફરશે તું ને આ વરસાદ

છે છલકતું રૂપ રેલમછેલ છે આકાશ,
આગ અંગે અંગ ભરશે તું ને આ વરસાદ.

ઝુલ્ફની કાલી ઘટા,નટખટ નજરનો તોર,
પ્રાણ ગાડોતૂર કરશે તું ને આ વરસાદ.

હુંય રેલાતો જઉં પલળીને પાણી જેમ,
આજ મારામાં ઘૂઘવશે તું ને આ વરસાદ.

કેમ ઝાલ્યો જાય રસબોળ રસિયો જીવ,
મન મૂકીને આજ વરસે તું ને આ વરસાદ

-પ્રો.મહેશભાઈ મકવાણા

3 thoughts on “તું ને આ વરસાદ

  1. વરસાદની મોસમમાં મહેશભાઇની વરસાદી ગઝલ… ક્યા બાત હૈ. મઝા આવી ગઈ. મહેશભાઈની આ ગઝલ રવિસભામાં સાંભળ્યાનું યાદ છે.

  2. આજ મારામા ઘૂઘવશે તુ ને આ વરસાદ….કેમ ઝાલ્યો જાય રસબોળ રસિયો જીવ…આવા મઝાના શબ્દો અને એ ઘેઘૂર મીઠો અવાજ ..આંખ બંધ હોય તો પન કહી શકુ કે મહેશભાઇ નો જ હોય..મૌસમ પ્રમાણે ની રચના મુકવા બદલ ઇશ્ક ને અભિનંદન

  3. મકવાણા સાહેબ ની સરસ રચના !

    ઝુલ્ફની કાલી ઘટા,નટખટ નજરનો તોર,
    પ્રાણ ગાડોતૂર કરશે તું ને આ વરસાદ.

    નજરનો તોર શબ્દનું પ્રયોજન ગમ્યું
    ખરેખર આખી ગઝલે તરબતર કરી નાંખ્યો

Leave a comment