તું રહ્યો કાનજી કાળો ને………


તું રહ્યો કાનજી કાળો ને હું તો છું ગોરીગોરી રાધાની જાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

રોમરોમ આવી જાણે વૃંદાવન બેઠું
એમ જાતને ઘેલી મેં કીધી,
નસનસમાં વહેતી થઈ લાગણીયો એમ
આખી યમુનાને આજ મેં પીધી.

આઠેપહોર મને ઘેનમાં ડુબાડીને જોજે પાછો કહેતો ના કોઈને તું વાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

સોળસો ગોપીયોથી ઝાઝેરા શમણાઓ
આંખોની ગલીયોમાં ખેલે છે રાસ,
સૌ રે શમણાઓ હવે સાચુકલા થાશે
એવી હૈયામાં ઝીણીઝીણી જળે છે આશ.

પાંપણ ખુલી ને મારે આંગણિયે જોઉં તો ગોકુળિયું લઈને આજ ઉભું પ્રભાત!
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

વાંસળીના સૂરમાં તેં રેલાવ્યું હૈયું
ને કદમ્બનું વૃક્ષ થઇ હું ફાલી,
નોતું જાણ્યું કે જાત ગોવર્ધન થાશે
મેં તો અમથીઅમથી તારી આંગળીતી ઝાલી.

ભવભવનો સાથ હવે છૂટશે નહિ રે ભલે ફરીએ ના ફેરાઓ સાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

-હેપ્પી જન્માષ્ટમી
-વર્ષા બારોટ

4 thoughts on “તું રહ્યો કાનજી કાળો ને………

  1. ભવભવનો સાથ હવે છૂટશે નહિ રે ભલે ફરીએ ના ફેરાઓ સાત,
    આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!…….

    વાહ વાહ … આપની લાક્ષણિક અદા મા રજુ થયેલી રચના… ફાઇન

  2. સુંદર મઝાનું ક્રુષ્ણ ભક્તિનું ગીત.વર્ષાબેનની હથોટી ગીત ઉપર એવી સજ્જડ બેઠી છે કે મીરાંબાઈની યાદ આવ્યા વગર રહે નહિ.

    આઠેપહોર મને ઘેનમાં ડુબાડીને જોજે પાછો કહેતો ના કોઈને તું વાત,
    આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

  3. hiiii…….i m ramsi ahir at sutrapada all friends jay kankai maa jay sri krishna jay murlidhar………aaaeee ne badha bhayo ne aa ramsi ahir pampaniya ram ram

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s